Wednesday, November 6, 2019


ગીફ્ટમા દરેકને એક કલ્પવૃક્ષ મળેલુ છે
ખુબ થાકીને,લોથપોથ થયેલો એક માણસ ઝાડ નીચે ફસડાઇ પડ્યો. અને તરત જ ઊંઘી ગયો. સદનસીબે એ ઝાડ કલ્પવૃક્ષ હતુ. પરંતુ એ બાબતે એ અજાણ હતો. એ જાગ્યો ત્યારે પેટમા કકડીને ભૂખ લાગી હતી. તેણે આજુબાજુ નજર નાખી અને બોલ્યો: કાશ.. કાઇ ખાવાનુ મળી જાય. ! તરતજ બત્રીસ જાતના પકવાન અને તેત્રીસ જાતના  શાક હાજર થઇ ગયા. પેટ ભરાઇ ગયુ એટલે વિચાર આવ્યો: બહુ તરસ લાગી છે, કંઈક પીવાનુ મળે તો કેવુ સારું.! અઢાર જાતના પીણા હાજર થઈ ગયા. કલ્પવૃક્ષ હોવાથી તરત ઇચ્છાપૂર્તિ થવા લાગી. ખાધા-પીધા પછી ફરીથી માણસે ઝાડ નીચે લંબાવ્યુ. તેના મનમા વિચાર વમળ ઉઠવા માંડ્યા.હું ઊંઘુ છુ કે જાગુ છુ? હું ભૂત પ્રેતનો શિકાર તો નથી બની ગયો ને? આમ વિચાર કર્યો તેમા તો ભૂત હાજર થઇ ગયા. તે ભૂત જોઈ ને ધ્રુજવા લાગ્યો. એણે મનોમન વિચાર્યુ, હવે આ ભૂત મને મારી તો નહી નાખે ને?’ લાગે છે આ ભૂત મને જીવતો નહિ જવા દે. તરત જ ભૂતે તેને મારી નાખ્યો.
ઇચ્છા પૂર્ણ કરે તેવુ વૃક્ષ એટલે કલ્પવૃક્ષ. આ વૃક્ષની નીચે બેસીને જે ઇચ્છા વ્યક્ત કરીએ  તે તત્કાળ પૂરી થાય. આ વૃક્ષ આમતો આપણા મનનુ જ પ્રતીક છે. જે ઇચ્છીએ અને યોગ્ય દિશામા પરિશ્રમ કરીએ તો ઇચ્છા પૂર્તિ થયા વગર ન રહે.
માનવીનુ મન સ્વયં કલ્પવૃક્ષ છે. જે પણ ધારીએ તે કરવા તે સમર્થ છે. વહેલી કે મોડી સફળતા મળતી જ હોય છે. સવાલ માત્ર ધારણા અને મંઝીલ વચ્ચેના સમયગાળાનો છે. ઘણીવાર તો ધારેલુ અને વિચારેલુ હોવા છતાં આપણે ભૂલી જઇએ છીએ, સત્યનારાયણની કથાના નાયકની જેમ.!  
દ્રઢમનોબળ  સફળતાને નિમંત્રે છે. સ્વર્ગ કહો કે નર્ક, હેપીનેસ કે પછી ટેન્શન બધ્ધુ અહીં, મનમા જ ઘડાતુ હોય છે. જ્યાં નકારાત્મકતા ઉદભવે;  હકારાત્મકતાના વમળો પણ ત્યાં જ સર્જાતા હોય છે. 
જીવનને જો એક અલગ અંદાજથી નિહાળવામા આવે તો- જ્યા જ્યા નજર મારી ઠરે- બધે સ્વર્ગ જ દેખાશે. હંમેશા રોદણા રડવાવાળા રોતલો સુખની સુંદર પળોને દુ:ખમાં ફેરવી નાખવાનુ કૌશલ્ય ધરાવતા હોય છે.!
મુશ્કેલીને પડકાર તરીકે સ્વીકારનારા સ્વર્ગનુ સર્જન કરતા હોય છે. સર્જન આપણા હાથની વાત છે, પછી એ સ્વર્ગ હોય કે નર્ક.! ઇશ્વર તરફથી દરેકને એક કલ્પવૃક્ષ ગીફ્ટમાં મળેલુ જ છે.કોણ,ક્યારે,કેટલો ઉપયોગ કરે છે, તેના પર તેની સફળતા અવલંબિત છે.

મિસરી

ખુદસે વાદા
નેક ઇરાદા
ઔર
મહેનત જ્યાદા.

Santoshdevkar03@gmail.com