Monday, June 2, 2014


26May,2014  .....     SHAPATH  VIDHI  SAMAROH 


જો નરેન્દ્ર મોદી અસરકારક વક્તા ન હોત તો?
આપણે સૌ જાણીએ છીએ તેમ નરેન્દ્ર મોદી અદભૂત વાકછટા ધરાવે છે. વક્તૃત્વ-એક કળા છે તે વિશે આ મેઘધનુષ કોલમમાં આ પૂર્વે લખાઈ ચૂક્યું છે. આજે આપણા દેશના વિક્રમસર્જક વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીને ધ્યાનમાં રાખીને વક્તા,વક્તૃત્વ અને છટાની ચર્ચા માંડીશુ. આપેલ મોબાઈલ નંબર પર એસ.એમ.એસ. આવકાર્ય છે. ‘વક્તૃત્વ કળા હસ્તગત હોવી એટલે કે અડધી બાજી ખીસ્સામાં હોવી’.  છટા પૂર્વક બોલી શકો , સામાને તમારી વાત સમજાવી શકો , શ્રોતાઓનો મિજાજ પારખી શકો , સમયનુ ઔચિત્ય જાળવી શકો  અને યોગ્ય હાવભાવ સાથે રજૂઆત કરી શકો તો, તમે એંશી ટકા વિજય હાંસલ કરી લીધો જ  સમજો. વક્તૃત્વ કળા શીખવા માંગતા દરેક યુવાને નરેન્દ્ર મોદીના વક્તવ્ય માંથી અનેક બાબતો શીખવા જેવી છે. આ લેખમાં તેમના વક્તવ્યમાં દેખા દેતી અને જોવા મળતી  વક્તૃત્વ કળાની કેટલીક ટેક્નીક્સ અને છટા વિશે પ્રકાશ પાડવામાં આવ્યો છે.
      નરેન્દ્ર મોદીની સભાઓની સફળતાનું સૌથી મોટું રહસ્ય કોઈ હોય તો તે એ છે કે તેઓ જ્યાં જાય ત્યાં સભામા લોકો સાથે સંવાદ સાધતા હોય છે. જે પ્રદેશમાં જાય છે તે પ્રદેશના લોકોનો મિજાજ બરાબર પારખી શકે છે, લોકો શું ઈચ્છે છે તે પળવારમા જાણી જાય છે. વક્તવ્યની શરૂઆત શ્રોતાઓના સન્માન સાથે કરે છે. રમૂજ પણ કરે છે , ગંભીર મુદ્દો પણ છેડે છે અને સમયસર પૂરું પણ કરે છે. એમના વક્ત્વ્યમાં સાહિત્યના નવ રસ પૈકીના મોટાભાગના રસોનું પાન કરવાનો મોકો શ્રોતાઓને મળતો હોય છે.
        કુશળ વક્તા પોતે પ્રસન્ન ચિત્ત હોય , હસતુ મુખ રાખીને લોકોની ખેરિયત પૂછીને પછી જ પોતાની વાત મૂકતો હોય છે. નરેન્દ્ર મોદી પોતાના દરેક વક્તવ્ય પહેલાં લોકોના ખબર અંતર પૂછે , પછી જ વક્તવ્યની શરૂઆત કરે છે. પોતે ગમે તેટલા થાકેલા હોય તો પણ પ્રસન્ન ચિત્ત રાખી મુખ ઉપરની પ્રસન્નતા ઓડિયન્સને પ્રસન્ન કરતી હોય છે. નરેન્દ્રભાઈ ઓડિયન્સ જોઈને પ્રસન્ન થનારાઓ માંથી છે. સીસયારીઓ-કીકયારીઓ અને ભારતમાતાકી જયના નારાથી પોતે પ્રસન્નતા અનુભવતા હોય છે.
ઓડિયન્સનો મિજાજ ન પારખનાર વક્તા હંમેશા નિષ્ફળ જતા હોય છે.  માત્ર પોતાની જ હાંકે રાખે , શ્રોતાઓની માંગના મુદ્દાઓ તરફ ધ્યાન જ ન આપે , શ્રોતાઓને ઈગ્નોર કરે તે વક્તા સફળ થઈ શકતા નથી. જો વક્તા તૈયારી કરીને  આવતા હોય છે તો શ્રોતા પણ તૈયારી વગરના નથી હોતા.  ભાષણ દરમિયાન વક્તા અને શ્રોતા વચ્ચે તાદાત્મ્ય સધાતુ હોય છે. જે વક્તા સુમધુર તાદાત્મ્ય સાધી શકે, મિજાજ પારખે તે જ મિજાજ રાખી શકે.
        મુદ્દાઓની ક્રમશઃ છણાવટ કરવી તે એક કળા છે. ઘણા બધા મુદ્દા હોય પણ કયો મુદ્દો પહેલા મૂકવો અને કયો મુદ્દો મહત્વનો છે તે નક્કી કરવું ખૂબ અગત્યનું છે. ક્રમશઃ મુકાતા મુદ્દાઓની શ્રોતાજનો પર ચોક્કસ અને ધારી અસર પડે છે અને ધાર્યુ તીર સાધી શકાય છે. આડેધડ ચર્ચાતા મુદ્દાઓ શ્રોતાજનોને બોરીંગ લાગતા હોય છે.
ઓડિયન્સને ચાલુ વક્તવ્યમાં હોંકારો આપવો અને ઓડિયન્સ પાસેથી હોંકરો જીલવો ખૂબ જ મહત્વ ધરાવે છે. આ સમયે વક્તાને બોલવામાં થોડોક આરામ પણ મળી રહે છે. ચાલુ વક્તવ્યમાં ઓડિયન્સ સાથે પ્રશ્નોત્તરી કરવામાં નરેન્દ્ર મોદી અદભૂત કૌશલ્ય ધરાવે છે.
આખુ વક્તવ્ય મોઢે બોલે, તેનો પ્રભાવ શ્રોતાઓ પર અચૂક પડતો હોય છે. જોઈને બોલવામાં કે પછી – વિચારીને બોલવામાં શબ્દો શોધવા પડે છે, જ્યારે આખુ ભાષણ મુખપાઠ બોલવામાં વક્તવ્યની અસરકારકતા વધી જતી હોય છે. નરેન્દ્ર મોદીએ ક્યારેય સભા સંબોધનમાં કોઈ ચિઠ્ઠી કે ચબરખી હાથમાં રાખી હોય એવુ ધ્યાનમાં નથી.
         ભાષણબાજીમાં સમયનું ધ્યાન અને ભાન ન રાખનાર ખૂબ સારા વક્તા પણ નિષ્ફળ ગયેલા છે. એક રમૂજી વાત કહેવાની અહિં તક લઉ છુ.    એક વક્તા એટલું લાંબુ (જીંકે રાખ્યું )બોલ્યા કે છેવટે માઈકવાળાએ કહેવું પડ્યું કે ‘સાહેબ હવે તો બંધ કરો બધા જતા રહ્યા. મારે માઈક-ખુરશી સમેટીને ઘરે જવુ છે.’ ત્યારે નેતા બોલ્યા કે ભાઇ  હોલમાં  તો રાખવી જોઈએ ને, સમય  જોતા ફાવે? ત્યારે માઈકસીસ્ટમ વાળા માણસે જવાબ આવ્યો. સાહેબ હોલમાં ઘડિયાળ ભલે નહોતી પણ સામે દિવાલ પર કેલેન્ડર તો હતું ને?
 શ્રોતાઓ થાકી ગયા છે કે તેમને પોતાની વાતમાં રસ પડતો નથી ,કે પોતે જે કહે છે તે સમજાતુ નથી વગેરે બાબતોથી વક્તા માહિતગાર હોવા જોઈએ. સમયસર શરૂ કરે અને ફાળવેલ સમયમાં પૂરું કરે તે ઉત્તમ વક્તાનું લક્ષણ છે.
ઓડિયન્સના ભાવપ્રદેશને સ્પર્શે તેવા વિધાનો વક્તાને ઉપયોગી થતાં હોય છે. નરેન્દ્ર મોદીના વક્તવ્યમાં સાંભળવા મળતા શબ્દો, મારી મા, મારી બહેનો, તમારો ભાઈ, ગેસનો બાટલો, ચા, ચાવાળો, મજદૂર, ગરીબ, ભારતમાનો દીકરો, જેવા લાગણીશીલ શબ્દો શ્રોતાઓના હદયને ‘ટચ’ કરી જાય છે. ધ્યાન રહે લાગણીશીલ વાતો કરતી વખતે એ વાત હદયના ઊંડાણથી નિકળવી જોઈએ, નહિ તો આ શબ્દોનો કોઈ મતલબ રહેતો નથી. ઉલટાનુ શ્રોતાઓ પર અવળી અસર પડવાની શક્યતા રહેલી છે.
નરેન્દ્ર મોદીનો વક્તા તરીકેનો સૌથી મોટો ગુણ ઊડીને આંખે વળગે તેવો હોય તો તે એ છે કે તેઓ ક્યારેય ગુસ્સે થયેલા જોવા મળ્યા નથી. થાકેલા જોવા મળ્યા નથી. કંટાળો ક્યારેય તેમના મુખ પર છવાયો નથી. કહેવાનુ તાત્પર્ય એ છે કે શ્રેષ્ઠ વક્તા બનવા માગતા યુવા નેતાઓએ ગુસ્સાને જોજનો દૂર રાખવો જોઈએ. નરેન્દ્ર મોદી કેટલીક ન ગમતી વાતો આંખોના ઈશારાથી પોતાના સાથીઓને કહી દેતા હોય છે જેને એમની આગવી છટા ગણી શકાય. ઉદા. વક્તવ્યમા એમની આગળ બોલનારો કોઈ વક્તા ભાંગરો વાટે કે પછી લાંબુ ખેંચી કાઢે ત્યારે નરેન્દ્ર મોદી માત્ર તેની તરફ એક નજર ફેરવે તેમાં એ વક્તા સમજી જાય કે હવે મારે પૂરું કરીને ઝડપથી બેસી જવાનું છે. અને છેલ્લે સૌથી વધુ અગત્યનું કોઈ પાસું હોય તો તે છે હોમવર્ક.
         નરેન્દ્ર મોદી ક્યારેય પણ હોમવર્ક કર્યા વગર બોલતા નથી જે પ્રદેશમાં તેમની સભા હોય તે પ્રદેશનો ઈતિહાસ, તે ગામની નદીનું નામ , આજુબાજુના ગામોના નામ, ગામમાં આવેલ આપત્તિ, ત્યાંની વિશેષતા, તે જગ્યાનું મહત્વ વગેરેની માહિતી તેમની પાસે અગાઉથી હોય છે. અને આ મુદ્દાઓનો ઉપયોગ કરીને પોતાની આગવી છટામાં જે તે પ્રદેશના લોકોના હ્રદય સુધી પહોંચી શકે છે.  
વકતૃત્વ કળાના માહિર એવા કોઈ પણ વક્તાને શ્રોતાપ્રિય થવાની અનોખી તક મળતી હોય છે. નરેન્દ્ર મોદીએ આ તક ઝડપી લીધી. તેઓએ પોતાની ઉત્તમ વાકછટાથી ભારતદેશના નાગરિકોના દિલ જીતી લીધા. ભારતદેશની પ્રજા સ્વભાવે વધુ ઉદાર એટલે નરેન્દ્ર મોદીને પહેલા હદયસ્થ કર્યા ત્યારબાદ સિંહાસનસ્થ કર્યા. સૌથી મોટા લોકશાહી દેશની ચૂંટણી પ્રક્રિયા પૂરી કરી અદભૂત વિજયના અધિકારી બન્યા.
નરેન્દ્ર મોદીની ઉત્તમ વાકછટા,ઉદાહરણ પસંદ કરવાની અને પબ્લિક સમક્ષ રજૂ કરવાની શૈલી, ક્યારેક ઉગ્ર થઈને તો ક્યારેક ભાવુક થઈને, યોગ્ય હાવભાવ સાથે પોતાના વિચારો રજૂ કરવાની અદભૂત શૈલીના હજારો ભારતવાસીઓ દિવાના છે. લોકોના હદયસિંહાસન પર રાજ કરનાર રાષ્ટ્રપુરુષને સો સો સલામ.............!    

***

1 comment:

  1. આપના બે લેખ વાંચ્યા...
    એક એજ્યુકેશન વિશે અને અન્ય નરેન્દ્ર મોદી વિશે.
    બંને ગમ્યા.
    સારો વક્તા સારા સતાધિકારી હોવાનું વક્તવ્ય ધ્વારા જ સાબિત કરી શકે.નરેન્દ્ર મોદી તો વક્તા અને સત્તાધિકારી બંનેમાં ઉત્તમ છે.
    આજનું શિક્ષણ,આધુનિક શિક્ષણ મોઘું લાગતું હોય તો 'નિરક્ષરતા અપનાવી જુઓ.'

    ખૂબ સરસ લખો છો.મને ગમે છે.
    અભિનંદન.

    ReplyDelete

Thanks for read and inspire.