Monday, June 30, 2014



કોયલના ટહુકાનુભૂતિથી ઈશ્વરાનુભૂતિ વાયા આનંદાનુભૂતિ

     સ્વ.ધીરુભાઈ ઠાકરે મોડાસામાં વાવેલા શિક્ષણના બીજ આજે વટવ્રુક્ષ બની ગયા છે  મ.લા.ગાંધી ઉ.કેળવણી મંડળનાં  સુંદર કોલેજ કેમ્પસમાં રહેવાની અને નોકરી કરવાની પ્રભુ કૃપાએ તક મળી . આંબા, સીતફળ, બદામ, જાંબુ, આસોપાલવ, લીમડો વગેરે વૃક્ષોએ કેમ્પસમાં અડ્ડો જમાવ્યો છે. આંબા પર આવેલી કાચી કેરીઓને કોલેજના વિધ્યાર્થીઓએ  કચુંબર બનાવીને ખાઈ લીધુ છે.  હવે કોયલ અને તેના સાથી મિત્રોએ આંબા પર આસન જમાવ્યું છે.
     હમણાં હમણાંથી રોજ વહેલી સવારે ઉઠીને ઘર બહાર ઓટલે બેસવાનુ ખુબ મન થાય છે. ઓટલા પર આંગણાના આંબા પરની કોયલનો મીઠો ટહુકો સાંભળવાની એક આદત પડી ગઈ . કોયલનો  ટહુકો મીઠો નથી અત્યંત મીઠો હોય છે. બરાબર સવારે સાડા પાંચથી છ ના ગાળામાં એ જાણે આંબાના ડાળેથી મને બોલાવતી હોય એવું  લાગે છે. મને પણ કોયલના ટહુકા બહુ ગમે છે.એના ટહુકાનો હું આદિ બની ગયો છુ. મારી પત્નિને હળવાશ થઈ છે. કારણ ઉઠતા વેંત  ચા ની માંગણી કરનાર, હમણા હમણાથી કોયલના ટહુકાના વ્યસની બન્યા છે. ટહુકો હદયની પાર પહોંચે છે. દિલમાં એક ટાઢકનો અહેસાસ કરાવે છે. એવું લાગે છે કે કેટલા વર્ષો પછી કોયલના ટહુકાને ધ્યાનથી સાંભળ્યો ? ખરા અર્થમાં ગ્રહણ કર્યો ?
કોયલના આ ટહુકાથી મન અત્યંત પ્રસન્ન થાય છે. આનંદની અદભૂત અનુભૂતિ થાય છે. એમ કરીને  કોયલે મારી પર મોટો ઉપકાર કર્યો છે.
છેવટે માણસની આ  દોડ છે શા માટે ? પૈસા માટે ? બંગલા માટે ? ગાડી માટે ? જમીન માટે ? હોદ્દા માટે ? કે કોયલના ટહુકા માટે? માણસ એટલુ તો દોડે છે કે  તે શાના માટે દોડે છે તે  જ ભૂલી જાય છે. થાકી જાય છે. સમય જતાં તેનો માર્ગ ફંટાઇ જાય છે. જ્યારે સાચી વાત સમજાય છે ત્યારે સમય નિકળી ગયો હોય છે.
આનંદાનુભૂતિની પ્રાપ્તિ એ જ સાચો માર્ગ  છે. પ્રસન્ન ચિત્ત એ જ આપણી દોડનો આખરી મુકામ બની શકે . પ્રસન્ન રહેવું એ ઈશ્વરની નજીક રહ્યા નો અહેસાસ કરાવે છે. પ્રસન્ન હોવુ એટલે નસીબદાર હોવુ. પ્રસન્ન હોવુ એટલે ‘ માણસ ‘ હોવુ. પ્રસન્ન હોવુ એટલે સરળ  હોવુ. પ્રસન્ન હોવુ એટલે ઈશ્વરની સમીપ  હોવુ.
          પ્રસન્ન ચિત્ત થયા પછી બધી વસ્તુઓ, આ પહેલા અગત્યની હતી, તે તુચ્છ કેમ લાગવા માંડે છે? કોયલના ટહુકાની તોલે કેટલા રૂપિયા મૂકી શકાય ? ટહુકાથી પ્રાપ્ત થતો આનંદ કેટલા એકર જમીન આપી શકે ? પંખીઓનો કલરવ સાચેજ ઈશ્વરાનુભૂતિ તરફ દોરી જાય છે.
હવે વહેલી સવારે છાપામાં બહુ રસ પડતો નથી, ચાની ચૂસકી ફીકી લાગે છે. ફોન પર થતી વાતચીતમાં રસ પડતો નથી. સવારમા કોયલના મસ્ત મજાના ટહુકા સાંભળવાનું વ્યસન થઈ ગયુ છે. પ્રસન્ન ચિત્તથી વ્યક્તિત્વમાં નીખાર આવે છે,વ્યક્તિત્વ ઉઘડે છે, ખીલે છે અને ખુલે છે. ધ્યેયને દિશા મળે છે. દિશા વગરના  વહાણની કોઈ મંઝીલ નથી હોતી. દિશા મળે તો દશા દૂર થાય. દશા દૂર કરવા વ્રત કરવું પડે ? પનોતિ દૂર કરવા તપ કરવું પડે ? પૂજાપાઠથી આપત્તિ દૂર થાય ? શ્રધ્ધાનો પ્રશ્ન હોય તો મારી શ્રધ્ધા કોયલના ટહુકામાં છે. મારે મન કોયલનો ટહુકો સાંભળવો એટલે ઉપનિષદની ઋચા સાંભળવા બરાબર છે. કોયલનો ટહુકો ભક્તિથી તરબોળ કરી દે છે.કોઈ કુદરતી સંકેત તેમાંથી મળે છે. કોયલનો ટહુકો આનંદ આપે, દિવ્યાનુભૂતિ કરાવે છે. જીવનની ફલશ્રુતિ નિજાનંદમા સમાયેલી છે.
          પ્રસન્ન ચિત્ત હદયથી કોઈ કાર્ય કરવામાં કંટાળો આવતો નથી. એક અલૌકિક તાજગી અનુભવાય છે. ગામડામાં રહેતા માનવીની સુખની વ્યાખ્યા, શહેરમાં રહેતા માનવીની વ્યાખ્યા કરતા નિરાળી કેમ છે ? કુદરતનું સાંનિધ્ય હંમેશા આનંદાયી નીવડે છે. શહેરમાં જ્યાં કૂતરાને પણ ડાબે-જમણે પૂંછડી પટ-પટાવવાનો અધિકાર નથી ત્યાં ગામડુ  પોતાની મસ્તીમાં વસતા અને ભસતાં પ્રાણીઓથી ખીલી ઉઠે છે. 
કોયલના ટહુકાનુભૂતિથી લઈને ઈશ્વરનાભૂતિ સુધીની યાત્રા આનંદાનુભૂતિ નો અહેસાસ કરાવે છે. અહિં ઓશો યાદ આવ્યા વગર રહે ખરો ? સુખની અનુભૂતિ બહારથી ક્યારેય નહિ થાય. આનંદ મેળવવા બહારના બધાં ફાંફા ભારે પડશે, નિષ્ફળ જશે. પ્રસન્નતા આપણી અંદર રહેલી છે. સોય જ્યાં ખોવાઈ હોય તે જગ્યાએ  શોધવી પડે. અજવાળું ભલે હોય પણ સોય જો અંધારામાં ખોવાઇ હશે, તો અંધારી જગ્યાને અજવાળ્યા પછી સોય શોધવાની રહે છે. સોય તો જ્યાં ખોવાઈ છે ત્યાંથી જ જડશે એ નક્કી છે.માત્ર અજવાળાથી આકર્ષાઇને સોયની શોધ અજવાળામા કરવી નરી મૂર્ખતા  છે.        આનંદ મનુષ્યના ચિત્તમાં છે. અંદરથી જ મેળવી શકાય  છે. આનંદાનૂભૂતિનો પરીચય પોતાના હદયમાંથી જ થઈ શકે.
         
કોયલના  આ પ્રસન્ન ટહુકાવાદ ની સામે જીવનના અન્ય વાદો બિનઅસરકારક સાબિત થાય  છે. ટહુકાની અસરકારકતા મન-ચિત્ત સુધી પહોંચી છે. કોયલનો ટહુકાવાદ પ્રસન્નતાવાદમાં પરિણમ્યો છે. બહારનો કોઈ વાદ ચિત્તને પ્રસન્ન કરી શકવાને શક્તિમાન નથી એવી એક શ્રદ્ધા દ્ર્ઢ છે. મનની પ્રસન્નતા કોયલના ટહુકાવાદનુ સ્વાગત કરવામાં સમાયેલી છે. મનને પ્રસન્ન કરી શકે એવા ટહુકા  સાંભળવાની આપણી તૈયારી  હોવી જોઇએ.ચાલો, ઉનાળાની ગરમીમાં મનને વર્ષાની ઠંડક પહોંચાડીએ.
***

Monday, June 23, 2014

પ્રેમની હદ એટલી તો એણે સ્વીકારી હતી,
બંધ દરવાજા હતા કિંતુ ખુલ્લી બારી હતી.
સંબંધો એવા બનાવો કે જેમા ..
શબ્દો ઓછા ને સમજ વધારે હોય
વિવાદ ઓછા ને સ્નેહ વધારે હોય્
શ્વાસ ઓછો ને વિશ્વાસ વધારે હોય,
પુરાવા ઓછા ને પ્રેમ વધારે હોય.

આ જગતનો હંમેશને માટે કોઈ લાઇવ સબ્જેક્ટ રહ્યો હોય તો તે છે પ્રેમ. પ્રેમમા બધાને રસ પડે,બધાને ગમે, બધા વાંચે,બધા ચર્ચા કરે. દસ માંથી નવ જણા પ્રેમના દાવેદાર હોય છે અને જે એક બાકી રહ્યો એ નાકનું ટેચકુ ચડાવતો હોય છે. આવા માણસો દંભી હોય છે. પ્રેમ પામનારા નસીબદાર, પ્રેમ આપી શકે તે વધુ નસીબદાર હોય છે. પ્રેમ આપવો દરેક માટે ખાવાના ખેલ  નથી.પ્રેમ આપવો ઘણી અઘરી વાત છે જ્યારે પ્રેમ પામવા માટે નસીબ પૂરતું  છે. કેટલાય કમનસીબ બાળકો પ્રેમ પામી શકતા નથી. આવા બાળકો અને લોકોને પ્રેમ આપનારા વીરલા પણ છે. બાળકોને દત્તક લેનારો એક વર્ગ સમાજમાં જીવી રહ્યો છે.
પ્રેમની વ્યાખ્યા દરેક વ્યક્તિએ પોતાની રીતે કરી છે. કંઇક આપવાનું નામ પ્રેમ છે તો પોતાની અંગત વ્યક્તિ ખુશ થાય તેવું કરવામાં આનંદ પામનારા અનેક છે. પ્રેમ કરવો સહેલો છે પણ ટકાવવો અઘરો છે. માત્ર ‘આઇ લવ યુ’ કહેવાથી પ્રેમ નથી થતો એમ માનનારો પણ એક વર્ગ છે.કોલેજીયનનો પ્રેમ એક આકર્ષણ માત્ર હોય છે.આ રીતે પ્રેમ જુદી જુદી રીતે પોંખાયો  છે.
પ્રેમ માટે સમાજ ના વિધાનો સાંભળો: પ્રેમ આંધળો હોય છે, પ્રેમમાં બરબાદ થઇ જવાય છે, પ્રેમ ઉંચ-નીચ જોતો નથી, અથવા પ્રેમ કરનારા આંધળા બની જાય છે.પ્રેમીઓને એ બે જણ સિવાય અન્ય કોઇ દેખાતુ નથી.વગેરે વગેરે..
રમેશ પારેખ ની એક પંXક્તિ ટાંક્યા વગર રહી શકાતું નથી. સાંભળો:
અડધો ગુનો છે મારો કે ચાહું છું હું તને
ચાહે જો તું તો આ ગુનો આખો કરી શકાય.
‘હું પ્રેમમાં છુ.’ એવુ કહેવાની હિંમત પ્રેમીયુગલ  પાસે નથી.સાચુ પૂછો તો તત્કાલિન સમાજે એટલી હિંમત ક્યારેય આપી જ નથી. યુવાનને સમાજે આ બાબતે નિર્ભિક બનાવ્યો નથી.ઉલટાનુ તેના આ નિર્ણયને સમાજે ‘બંડખોર’ નામ આપીને ધુત્કાર્યો છે.સાચા પ્રેમ ને ન પોંખનારો સમાજ રુગ્ણ સમાજ કહેવાય. પ્રશ્ન એ થાય છે કે જેને પ્રેમીઓ સાચો પ્રેમ ગણે છે, મા-બાપની દ્રષ્ટિએ એ પ્રેમ સાચો હોય છે ખરો?
પત્નીનો પ્રેમ , પ્રેમીકાનો પ્રેમ, બહેનનો પ્રેમ,માતાનો પ્રેમ, ભાઇનો પ્રેમ, મિત્રનો પ્રેમ, કોઇ અજાણ્યા જણનો પ્રેમ,પાડોશીનો પ્રેમ. સંબધો સાથેના પ્રેમની એક પોતીકી મહેંક હોય છે.’મુઘલ એ આજમ’ ફિલ્મમા એક સીનમા સુન્દર ડાયલોગ મુકાયો છે. આમ તો આ આખી ફિલ્મ ક્લાસીક છે. ફિલ્મ જોઇ ન હોય તે આ લેખ વાંચવાનો અધિકાર ગુમાવી બેસશે? અફકોર્સ. હા,તો ડાયલોગ એવો છે કે જલાલુદ્દીન મોહંમ્મદ અકબર નાઇકાને કહેછે-આદેશ કરે છે કે ‘ કલ સુબહ હોતે હી સલીમ કી મહોબ્બતકા ઇન્કાર કર દેના.’ ત્યારે નાયિકાના મુખે ઉપનિષદ ની રુચાની તોલે આવે એવો સંવાદ લેખકે મૂક્યો છે, સાંભળો: ‘જહાંપનાંહ, આજ તક જો જુબા મહોબ્બતકા ઇકરાર ન કર સકી, વો  ઇન્કાર ક્યા કરેગી.’
પ્યાર, મહોબ્બત,ઇશ્ક,લવ જેવા શબ્દો વારંવાર બીન જરુરી ઉપયોગ કરવાથી માત્ર શબ્દો જ રહી જાય છે  ને, લીસા થઇ  અર્થ ગુમાવી બેસે છે.કેટલીક અજાણ્યા જણની પંક્તિઓ સાંભળો:
ખાલી ખાલી હસવાનુ ને સાચા આ બે આંસુ
આમ ફરું તો દિશા નડેને આમ ફરું તો પાસું
દિવાલ ક્યાં છે,બારી ક્યાં છે,ક્યાં છે ઉપર નીચે ?
અંદર જેવું છે જ નહિ ત્યાં દરવાજો  શું વાસું?
આમ  કરો કે તેમ કરો કે ખેડો સાત સમંદર
મજા વગરનું કંઈ પણ કરવું ખતરનાક છે ખાસું

ફિલ્મી પ્રેમ શબ્દોથી વ્યક્ત થતો હોય છે.પ્યારકી કોઇ જુબા નહિ હોતી,કોઇ મજહબ નહિ હોતા.જ્યારે પ્રેમ શબ્દોથી વ્યક્ત થતો નથી. અશાબ્દિક પ્રેમની વાત જ નિરાળી છે.પ્રેમ આંખોની ભાષા સમજે છે. કંઇજ કહ્યા વગર કોમ્યુનિકેશન થઇ જાય છે. બોલ્યા વગર લાગણીઓ વહેતી થાય છે. શબ્દોની મદદ વગર લાગણીઓ વહે અને જીલાય ત્યારે પ્રેમનો મહાસાગર હિલ્લોળા લેતો હોય છે, આચાર, વિચાર, અને વ્યવહારનું ઐક્ય પ્રેમની પરાકાષ્ઠાએ પહોંચે છે.
તમને જેની સાથે આનંદ આવે, જેના સહવાસથી સુખની અનુભૂતિ થાય,જેની સાથે  કામ કરવામાં મજા આવે, જેની સાથે વાત કરવામાં આનંદ આવે, જેની વાટ જોવામા આનંદ આવે, જેની સાથે લડવા-જગડવામા મજા આવે, જેના આવવા માત્રથી આપણો ગયેલો મૂડ પછો આવી જાય, જેના ફોનનો આપણને હમેશા ઇંતજાર રહે, જેની સાથે અધિકાર પૂર્વક લડી શકાય,વરતી શકાય, જેની પર ગુસ્સે થવું તમારો અબાધિત અધિકાર બનતો હોય,જેની સાથે હરવા-ફરવામાં આનંદ આવે, તમને મળેલી આ દિવ્ય, તમામ ક્ષણો, તમારા જીવનની ઉત્તમોત્તમ ક્ષણો છે.તેને સાચવી ન રાખતા પણ ફીક્સ ડિપોજિટ કરી દેજો. ફરી આ ક્ષણો મળે ન મળે!!..

 ‘પાની મે પથ્થર મત ફેંકો  ઉસે કોઇ ઔર ભી પીતા હૈ,
જીઓ તો હંસકે જીઓ તુમ્હે દેખકે કોઇ ઔર ભી જીતા હૈ.’

જીવનની આવી ક્ષણો અત્યન્ત  ઓછી ભાગમા આવતી હોય છે. જેટલી પણ ક્ષણો મળી છે, જીવી જાણીએ. પ્રેમનો વિષય ક્યારેય પૂરો થઇ શકે જ નહિ, સ્થળ સંકોચ એને ક્રમશ: રાખે છે.  (શીર્ષકપંક્તિ:બરકતવીરાણી)


મિસરી
“  પ્યારસે તો સારે જહાં પે અસર હોગી
   નહિ હોગી તો હમારી કહી કસર હોગી

              (sms- કવયિત્રી સુનિતા વ્યાસ-સિદ્ધપુર)

Friday, June 20, 2014


શિક્ષક નું અસરાકારક નેતૃત્વ આખી પેઢી તારે છે.અને.........15/06/2014




Sunday, June 8, 2014

કેળવણીનાદાવા કરતીશાળાઓની પોલંપોલ 
            દરેક મા-બાપ ઈચ્છે છે કે પોતાનુ બાળક સારી શાળામાં જાય. સારી સ્કૂલમા પ્રવેશ મેળવે. એવી શાળામાં એડમિશન લે કે જ્યાં તેનો સર્વાંગી વિકાસ થાય. જીવનની પ્રત્યેક મુસીબતનો સામનો કરે, તે ક્યાંય પાછો ન પડે. માત્ર હાથ પગની કેળવણી ઉપરાંત મગજ અને હદયની કેળવણી પણ તેને મળે. ભણી-ગણીને મોટો માણસ બને. મોટી નોકરી મેળવે. મોટો પગાર મેળવે. મોટો બંગલો બનાવે. દરેક મા-બાપની આ પ્રકારની ઈચ્છાઓ હોય એ સ્વાભાવિક છે.
              કેળવણીના દાવા કરતી મોટા ભાગની શાળાઓ સાચી કેળવણી આપવામાં નિષ્ફળ જાય છે. છેતરામણી જાહેરાતો કરીને , મસમોટી ફી ઊઘરાવીને પોતાના આપેલા વચનો ( સરકારની જેમજ સ્તો !) પૂરા કરવામાં ઊણી ઉતરે છે. વર્ષ દરમિયાન વાલીની કોઈ પણ વાત-ફરિયાદ સાંભળવામાં આવતી નથી અથવા તો સાંભળીને આંખ આડા કાન કરવામાં આવે છે. ત્યારે વાલીને થાય છે કે મોટી ફી ભરીને આપણે તો ફસાયા. કેટલીક શાળાઓની ભ્રામક જાહેરાતો આ માટે કારણભૂત હોય છે. વાલીઓને છેતરતા આવા સંચાલકોને શેહ-શરમ રાખ્યા વગર સરકાર પાઠ ભણાવી શકે ખરી ? વાલીઓનો અવાજ સાંભળી શકે એવા કોઈ કાન ખરાં ? જો કોઈ એક વાલી અવાજ ઉઠાવે તો તેના બાળક સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવતુ હોય છે. ક્યારેક તો વાલીના વાંકે વિધ્યાર્થીને ડામ દેવાતો  હોય છે. જેથી એકલ-દોકલ વાલી આવી હિંમત કરતા નથી. પરિણામે સંચાલકો લીલા-લહેર કરતા હોય છે. એવી કેટલીય્ સંસ્થાઓ ગુજરાતમાં છે જેનાં વાર્ષિક નિરીક્ષણ થતા જ નથી ! જો થાય છે તો માત્ર કાગળ ઉપર જ. નહિ તો શોપીંગ સેન્ટરોમાં ચાલતી, સાધન સંપન્ન ન હોય તેવી અને મેદાન ન ધરાવતી શાળાઓનું અસ્તિત્વ હોત ખરું ? વિકલ્પ ન હોય ત્યાં વાલી શાળાઓનો અત્ચાર મૂંગામોઢે સહી લે છે.
              “ જાયેં તો જાયેં કહાં ? ”  વારંવાર શાળા બદલવી એ વાલી કે બાળક બન્ને માંથી કોઇના હિતમાં નથી હોતુ. સંચાલકો પોતાની મનમાની કરે , શિક્ષકો ટ્યુશનની ધોંસ  વધારે , સરકાર પુસ્તકોની કિંમતો વધારે , વેપારીઓ નોટબુક્સ , દફતર , ઈતર વસ્તુઓની કિંમતો વધારે. બિચારો વાલી જાય તો ક્યાં જાય ? આજે શિક્ષણ એટલુ મોંઘુ થયુ છે કે સામાન્ય વાલી તેના બાળક ને કહેવાતી સારી (ઊંચી ફી લેતી) શાળામાં એડમિશન અપાવી શકતો નથી. પરિણામે બાળક સહિત મા-બાપ લઘુતાગ્રંથિથી પીડાય છે.
              સાચી હકિકત તો એ છે કે કહેવાતી મોટી શાળાઓ સહિત તમામ માત્ર હાથ-પગની કેળવણી આપી શકે છે. મગજ અને હદયની કેળવણી આપી શકતા નથી. જો હાથ-પગની કેળવણી પણ આપતા હોત તો દરેક બાળક શારીરિક તંદુરસ્ત હોવું જોઈએ. પરંતુ આજે બાળક કુપોષણ , આંખોની તકલીફ , દાંતની તકલીફ અને હિમોગ્લોબિનની ઉણપથી પીડાય છે. (અહિં કુપોષણના આંકડા આપીને અને શિક્ષણની ગણવત્તાના રેંક મુકીને વાચકોનો રસ ભંગ નથી કરતો) એનો અર્થ એ થયો કે હાથ પગની કેળવણી પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી. શાળાઓમાં માસ પી.ટી.નો અઠવાડિયામાં માત્ર એક જ તાસ હોય છે.
              હવે રહી વાત મગજની કેળવણીની ! તો મગજની કેળવણી એ તર્કશક્તિ , સ્મરણ શક્તિ , સ્મૃતિશક્તિ , તારણશક્તિ, કારણશક્તિ , ધારણશક્તિ વગેરે શક્તિઓ પર આધારિત છે. આમાંનુ કાંઈ જ થતુ નથી.  કહેવાતી શાળાઓમાં અપાતુ શિક્ષણ કોઈ પણ પ્રકારની શક્તિને ઉજાગર કરતુ નથી. માત્ર સ્મૃતિશક્તિ ઉપર જ ભાર મૂકવામાં આવે છે. જેને બીજા શબ્દોમાં ‘ ગોખણપટ્ટી ’ જ  કહી શકાય. જે સૌથી સારી ગોખણપટ્ટી કરી શકે તે ઉંચા ટકા લાવી શકે. બારમા ધોરણની બોર્ડ ની પરીક્ષા અને ગુજકેટની પરીક્ષાની ટકાવારીમા પડતો તફાવત આ બાબતની સાક્ષી પુરે છે.
કેળવણીકાર અને ચિંતક ગુણવંત શાહ નોંધે છે કે માણસનું ભાવજગત એ  કર્મજગત અને જ્ઞાનજગત ને સતત અસર  પમાડતું રહેછે.આજે આપણો  વિદ્યાર્થી બાલવાડીથી શરૂ કરીને પીએચ.ડી.સુધી પહોંચે ત્યાં સુધીમાં ક્યાંય રામાયણ કે મહાભારત જેવાં મહાકાવ્યોનો આછો પરિચય પણ પામતો નથી. એનુ શિક્ષણ એવી રીતે પૂરું થાય છે,જાને એ ભારતીય  સંસ્ક્રૂતિનું સંતાન ન હોય. રુદયની કેળવણી પામ્યા વગર નો ડોક્ટર,એન્જીનીયર,ક્મ્પ્યુટર તજજ્ઞ, શિક્ષક, નેતા,કર્મચારી કે કારીગર,  રુદય શૂન્યતા નાં મહારોગથી પીડાતો હોય છે.
વિધ્યાર્થીનો સર્વાંગીવિકાસ તેના શારીરિક, માનસિક, બૌદ્ધિક, આધ્યાત્મિક, અને ભાવનાત્મક વિકાસ પર આધારિત છે.શાળાઓ પોતાનું સ્વમૂલ્યાંકન કરી શકે.ઉપરોક્ત પાંચ વિકાસ પૈકી વિધ્યાર્થીનો કઇ દિશામા વિકાસ થઇ રહ્યો છે તે ચકાસી શકાય. જો તમે સંચાલક છો તો, જો તમે વાલી છો તો, જો તમે શિક્ષક છો તો, જો તમે શિક્ષણમાં રસ ધરાવતા રાજકારણી છો તો ચકાસો કે તમારા  વિધ્યાર્થીનો વિકાસ કઇ તરફ છે. તમે પસંદ કરેલી શાળા આ પ્રકારે વિકાસ કરવા માટે સક્ષમ છે ? જો ના તો તમે કરેલો નિર્ણય પુન: વિચારણા માગી લે છે.
(1)શારીરિક વિકાસ: વિધ્યાર્થીના સ્વાસ્થ્ય સંબંધી તમામ
શક્તિઓનો વિકાસ.
(2)માનસિક વિકાસ: વિધ્યાર્થીના મન  સંબંધી તમામ માનસિક    શક્તિઓનો વિકાસ.
(3)બૌદ્ધિક વિકાસ: વિધ્યાર્થીને બુદ્ધિનો ઉપયોગ કરવો પડે તેવી પજલો, પ્રશ્નો,સમસ્યાઓ,રમતો સંબંધી તમામ શક્તિઓનો વિકાસ.
(4)આધ્યાત્મિક વિકાસ: વિધ્યાર્થીના અધ્યાત્મ સંબંધી તમામ ગુણોનો વિકાસ.
(5)ભાવનાત્મક વિકાસ: વિધ્યાર્થીના લાગણી પ્રેમ , ગુસ્સો, સહાનુભૂતિ, ઇર્શા, ખેલદિલી, સંબંધી તમામ ગુણોનો વિકાસ.
       જો તમે વાલી છો તો તપાસો કે તમે પસંદ કરેલ શાળા આ પ્રમાણેનો અભ્યાસક્રમ ચલાવે છે. બાળકોનો પાંચ તબક્કે વિકાસ કરવાની ક્ષમતા ધરાવે છે ? જો તમે સંચાલક છો તો વિચારો કે તમારી શાળામાં અભ્યાસ કરતું બાળક આ લાભ મેળવે છે ? તમે શાળામાં તેની પાંચેય શક્તિઓ અને કૌશલ્યો વિકસે તેવો પ્રબંધ કર્યો છે ?
              વિધ્યાર્થી  શિક્ષણ મેળવીને માત્ર એકાંગી બને છે. અને પછી ‘ભણ્યો પણ ગણ્યો નહિ’ જેવા અનેક પ્રશ્નો ઊભા થાય છે . મા-બાપ સાથે વાત કરતાં આવડતું નથી. વડીલો સાથે માનપૂર્વક વ્યવહાર કરી શકતો નથી. માત્ર ઉડાઉ  જવાબ આપે છે વગેરે વગેરે.
ડેનિયલ ગોલમેન જેવો મનોવિજ્ઞાની પોતાના ‘ઈમોશનલ  ઈન્ટેલીજન્સ ’ પુસ્તકમાં કહેછે કે માણસની બુદ્ધિ ઉપરાંત એની સંવેદનાઓ પણ જીવનમાં ખૂબજ અગત્યનો ભાગ ભજવેછે. ભાવજગતની માવજત વગર સાચી કેળવણીનું દર્શન થશે નહિ .
              વિધ્યાર્થીનો ભાવનાત્મક વિકાસ ન થવાથી સહજીવનમાં મોટા  પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આધ્યાત્મિક વિકાસ પણ એટલો જ જરૂરી બને છે. આધ્યાત્મિક વિકાસ એટલે પૂજા-પાઠ અને મંદિરે જવું એટલુ જ નહિ, આ સિવાયનું ઘણુ બધુ છે જે શાળા કરી શકે છે. વાત સમજાય તો લેખ બીજી વાર વાંચવો ફરજીયાત નથી.પરંતુ પોતાના બાળકને , ઘેંટાની ચાલે ચાલી કોઇપણ શાળાથી પ્રભાવિત થયા વગર તેના અભ્યાસક્રમ , પૂરક અભ્યાસક્રમ , ઈતર અભ્યાસક્રમ , અભ્યાસપૂરક અને અભ્યાસપ્રેરક પ્રવૃત્તિઓ જોઈ સમજીને જ એડમિશન મેળવવું સમજદારી ભર્યુ પગલું છે.
                                                      
મિસરી
કેળવણી એટલે
માનવ
બનવાની મથામણ

                ***            (sms- મનુભાઈ કોટેજા, પોરબંદર)

Monday, June 2, 2014


26May,2014  .....     SHAPATH  VIDHI  SAMAROH 


જો નરેન્દ્ર મોદી અસરકારક વક્તા ન હોત તો?
આપણે સૌ જાણીએ છીએ તેમ નરેન્દ્ર મોદી અદભૂત વાકછટા ધરાવે છે. વક્તૃત્વ-એક કળા છે તે વિશે આ મેઘધનુષ કોલમમાં આ પૂર્વે લખાઈ ચૂક્યું છે. આજે આપણા દેશના વિક્રમસર્જક વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીને ધ્યાનમાં રાખીને વક્તા,વક્તૃત્વ અને છટાની ચર્ચા માંડીશુ. આપેલ મોબાઈલ નંબર પર એસ.એમ.એસ. આવકાર્ય છે. ‘વક્તૃત્વ કળા હસ્તગત હોવી એટલે કે અડધી બાજી ખીસ્સામાં હોવી’.  છટા પૂર્વક બોલી શકો , સામાને તમારી વાત સમજાવી શકો , શ્રોતાઓનો મિજાજ પારખી શકો , સમયનુ ઔચિત્ય જાળવી શકો  અને યોગ્ય હાવભાવ સાથે રજૂઆત કરી શકો તો, તમે એંશી ટકા વિજય હાંસલ કરી લીધો જ  સમજો. વક્તૃત્વ કળા શીખવા માંગતા દરેક યુવાને નરેન્દ્ર મોદીના વક્તવ્ય માંથી અનેક બાબતો શીખવા જેવી છે. આ લેખમાં તેમના વક્તવ્યમાં દેખા દેતી અને જોવા મળતી  વક્તૃત્વ કળાની કેટલીક ટેક્નીક્સ અને છટા વિશે પ્રકાશ પાડવામાં આવ્યો છે.
      નરેન્દ્ર મોદીની સભાઓની સફળતાનું સૌથી મોટું રહસ્ય કોઈ હોય તો તે એ છે કે તેઓ જ્યાં જાય ત્યાં સભામા લોકો સાથે સંવાદ સાધતા હોય છે. જે પ્રદેશમાં જાય છે તે પ્રદેશના લોકોનો મિજાજ બરાબર પારખી શકે છે, લોકો શું ઈચ્છે છે તે પળવારમા જાણી જાય છે. વક્તવ્યની શરૂઆત શ્રોતાઓના સન્માન સાથે કરે છે. રમૂજ પણ કરે છે , ગંભીર મુદ્દો પણ છેડે છે અને સમયસર પૂરું પણ કરે છે. એમના વક્ત્વ્યમાં સાહિત્યના નવ રસ પૈકીના મોટાભાગના રસોનું પાન કરવાનો મોકો શ્રોતાઓને મળતો હોય છે.
        કુશળ વક્તા પોતે પ્રસન્ન ચિત્ત હોય , હસતુ મુખ રાખીને લોકોની ખેરિયત પૂછીને પછી જ પોતાની વાત મૂકતો હોય છે. નરેન્દ્ર મોદી પોતાના દરેક વક્તવ્ય પહેલાં લોકોના ખબર અંતર પૂછે , પછી જ વક્તવ્યની શરૂઆત કરે છે. પોતે ગમે તેટલા થાકેલા હોય તો પણ પ્રસન્ન ચિત્ત રાખી મુખ ઉપરની પ્રસન્નતા ઓડિયન્સને પ્રસન્ન કરતી હોય છે. નરેન્દ્રભાઈ ઓડિયન્સ જોઈને પ્રસન્ન થનારાઓ માંથી છે. સીસયારીઓ-કીકયારીઓ અને ભારતમાતાકી જયના નારાથી પોતે પ્રસન્નતા અનુભવતા હોય છે.
ઓડિયન્સનો મિજાજ ન પારખનાર વક્તા હંમેશા નિષ્ફળ જતા હોય છે.  માત્ર પોતાની જ હાંકે રાખે , શ્રોતાઓની માંગના મુદ્દાઓ તરફ ધ્યાન જ ન આપે , શ્રોતાઓને ઈગ્નોર કરે તે વક્તા સફળ થઈ શકતા નથી. જો વક્તા તૈયારી કરીને  આવતા હોય છે તો શ્રોતા પણ તૈયારી વગરના નથી હોતા.  ભાષણ દરમિયાન વક્તા અને શ્રોતા વચ્ચે તાદાત્મ્ય સધાતુ હોય છે. જે વક્તા સુમધુર તાદાત્મ્ય સાધી શકે, મિજાજ પારખે તે જ મિજાજ રાખી શકે.
        મુદ્દાઓની ક્રમશઃ છણાવટ કરવી તે એક કળા છે. ઘણા બધા મુદ્દા હોય પણ કયો મુદ્દો પહેલા મૂકવો અને કયો મુદ્દો મહત્વનો છે તે નક્કી કરવું ખૂબ અગત્યનું છે. ક્રમશઃ મુકાતા મુદ્દાઓની શ્રોતાજનો પર ચોક્કસ અને ધારી અસર પડે છે અને ધાર્યુ તીર સાધી શકાય છે. આડેધડ ચર્ચાતા મુદ્દાઓ શ્રોતાજનોને બોરીંગ લાગતા હોય છે.
ઓડિયન્સને ચાલુ વક્તવ્યમાં હોંકારો આપવો અને ઓડિયન્સ પાસેથી હોંકરો જીલવો ખૂબ જ મહત્વ ધરાવે છે. આ સમયે વક્તાને બોલવામાં થોડોક આરામ પણ મળી રહે છે. ચાલુ વક્તવ્યમાં ઓડિયન્સ સાથે પ્રશ્નોત્તરી કરવામાં નરેન્દ્ર મોદી અદભૂત કૌશલ્ય ધરાવે છે.
આખુ વક્તવ્ય મોઢે બોલે, તેનો પ્રભાવ શ્રોતાઓ પર અચૂક પડતો હોય છે. જોઈને બોલવામાં કે પછી – વિચારીને બોલવામાં શબ્દો શોધવા પડે છે, જ્યારે આખુ ભાષણ મુખપાઠ બોલવામાં વક્તવ્યની અસરકારકતા વધી જતી હોય છે. નરેન્દ્ર મોદીએ ક્યારેય સભા સંબોધનમાં કોઈ ચિઠ્ઠી કે ચબરખી હાથમાં રાખી હોય એવુ ધ્યાનમાં નથી.
         ભાષણબાજીમાં સમયનું ધ્યાન અને ભાન ન રાખનાર ખૂબ સારા વક્તા પણ નિષ્ફળ ગયેલા છે. એક રમૂજી વાત કહેવાની અહિં તક લઉ છુ.    એક વક્તા એટલું લાંબુ (જીંકે રાખ્યું )બોલ્યા કે છેવટે માઈકવાળાએ કહેવું પડ્યું કે ‘સાહેબ હવે તો બંધ કરો બધા જતા રહ્યા. મારે માઈક-ખુરશી સમેટીને ઘરે જવુ છે.’ ત્યારે નેતા બોલ્યા કે ભાઇ  હોલમાં  તો રાખવી જોઈએ ને, સમય  જોતા ફાવે? ત્યારે માઈકસીસ્ટમ વાળા માણસે જવાબ આવ્યો. સાહેબ હોલમાં ઘડિયાળ ભલે નહોતી પણ સામે દિવાલ પર કેલેન્ડર તો હતું ને?
 શ્રોતાઓ થાકી ગયા છે કે તેમને પોતાની વાતમાં રસ પડતો નથી ,કે પોતે જે કહે છે તે સમજાતુ નથી વગેરે બાબતોથી વક્તા માહિતગાર હોવા જોઈએ. સમયસર શરૂ કરે અને ફાળવેલ સમયમાં પૂરું કરે તે ઉત્તમ વક્તાનું લક્ષણ છે.
ઓડિયન્સના ભાવપ્રદેશને સ્પર્શે તેવા વિધાનો વક્તાને ઉપયોગી થતાં હોય છે. નરેન્દ્ર મોદીના વક્તવ્યમાં સાંભળવા મળતા શબ્દો, મારી મા, મારી બહેનો, તમારો ભાઈ, ગેસનો બાટલો, ચા, ચાવાળો, મજદૂર, ગરીબ, ભારતમાનો દીકરો, જેવા લાગણીશીલ શબ્દો શ્રોતાઓના હદયને ‘ટચ’ કરી જાય છે. ધ્યાન રહે લાગણીશીલ વાતો કરતી વખતે એ વાત હદયના ઊંડાણથી નિકળવી જોઈએ, નહિ તો આ શબ્દોનો કોઈ મતલબ રહેતો નથી. ઉલટાનુ શ્રોતાઓ પર અવળી અસર પડવાની શક્યતા રહેલી છે.
નરેન્દ્ર મોદીનો વક્તા તરીકેનો સૌથી મોટો ગુણ ઊડીને આંખે વળગે તેવો હોય તો તે એ છે કે તેઓ ક્યારેય ગુસ્સે થયેલા જોવા મળ્યા નથી. થાકેલા જોવા મળ્યા નથી. કંટાળો ક્યારેય તેમના મુખ પર છવાયો નથી. કહેવાનુ તાત્પર્ય એ છે કે શ્રેષ્ઠ વક્તા બનવા માગતા યુવા નેતાઓએ ગુસ્સાને જોજનો દૂર રાખવો જોઈએ. નરેન્દ્ર મોદી કેટલીક ન ગમતી વાતો આંખોના ઈશારાથી પોતાના સાથીઓને કહી દેતા હોય છે જેને એમની આગવી છટા ગણી શકાય. ઉદા. વક્તવ્યમા એમની આગળ બોલનારો કોઈ વક્તા ભાંગરો વાટે કે પછી લાંબુ ખેંચી કાઢે ત્યારે નરેન્દ્ર મોદી માત્ર તેની તરફ એક નજર ફેરવે તેમાં એ વક્તા સમજી જાય કે હવે મારે પૂરું કરીને ઝડપથી બેસી જવાનું છે. અને છેલ્લે સૌથી વધુ અગત્યનું કોઈ પાસું હોય તો તે છે હોમવર્ક.
         નરેન્દ્ર મોદી ક્યારેય પણ હોમવર્ક કર્યા વગર બોલતા નથી જે પ્રદેશમાં તેમની સભા હોય તે પ્રદેશનો ઈતિહાસ, તે ગામની નદીનું નામ , આજુબાજુના ગામોના નામ, ગામમાં આવેલ આપત્તિ, ત્યાંની વિશેષતા, તે જગ્યાનું મહત્વ વગેરેની માહિતી તેમની પાસે અગાઉથી હોય છે. અને આ મુદ્દાઓનો ઉપયોગ કરીને પોતાની આગવી છટામાં જે તે પ્રદેશના લોકોના હ્રદય સુધી પહોંચી શકે છે.  
વકતૃત્વ કળાના માહિર એવા કોઈ પણ વક્તાને શ્રોતાપ્રિય થવાની અનોખી તક મળતી હોય છે. નરેન્દ્ર મોદીએ આ તક ઝડપી લીધી. તેઓએ પોતાની ઉત્તમ વાકછટાથી ભારતદેશના નાગરિકોના દિલ જીતી લીધા. ભારતદેશની પ્રજા સ્વભાવે વધુ ઉદાર એટલે નરેન્દ્ર મોદીને પહેલા હદયસ્થ કર્યા ત્યારબાદ સિંહાસનસ્થ કર્યા. સૌથી મોટા લોકશાહી દેશની ચૂંટણી પ્રક્રિયા પૂરી કરી અદભૂત વિજયના અધિકારી બન્યા.
નરેન્દ્ર મોદીની ઉત્તમ વાકછટા,ઉદાહરણ પસંદ કરવાની અને પબ્લિક સમક્ષ રજૂ કરવાની શૈલી, ક્યારેક ઉગ્ર થઈને તો ક્યારેક ભાવુક થઈને, યોગ્ય હાવભાવ સાથે પોતાના વિચારો રજૂ કરવાની અદભૂત શૈલીના હજારો ભારતવાસીઓ દિવાના છે. લોકોના હદયસિંહાસન પર રાજ કરનાર રાષ્ટ્રપુરુષને સો સો સલામ.............!    

***