કોયલના ટહુકાનુભૂતિથી ઈશ્વરાનુભૂતિ
વાયા આનંદાનુભૂતિ
સ્વ.ધીરુભાઈ ઠાકરે મોડાસામાં વાવેલા
શિક્ષણના બીજ આજે વટવ્રુક્ષ બની ગયા છે મ.લા.ગાંધી
ઉ.કેળવણી મંડળનાં સુંદર કોલેજ કેમ્પસમાં
રહેવાની અને નોકરી કરવાની પ્રભુ કૃપાએ તક મળી . આંબા, સીતફળ, બદામ, જાંબુ,
આસોપાલવ, લીમડો વગેરે વૃક્ષોએ કેમ્પસમાં અડ્ડો જમાવ્યો છે. આંબા પર આવેલી કાચી કેરીઓને
કોલેજના વિધ્યાર્થીઓએ કચુંબર બનાવીને ખાઈ
લીધુ છે. હવે કોયલ અને તેના સાથી મિત્રોએ
આંબા પર આસન જમાવ્યું છે.
હમણાં હમણાંથી રોજ વહેલી સવારે ઉઠીને ઘર બહાર ઓટલે બેસવાનુ ખુબ મન થાય છે. ઓટલા
પર આંગણાના આંબા પરની કોયલનો મીઠો ટહુકો સાંભળવાની એક આદત પડી ગઈ . કોયલનો ટહુકો મીઠો નથી અત્યંત મીઠો હોય છે. બરાબર સવારે
સાડા પાંચથી છ ના ગાળામાં એ જાણે આંબાના ડાળેથી મને બોલાવતી હોય એવું લાગે છે. મને પણ કોયલના ટહુકા બહુ ગમે છે.એના
ટહુકાનો હું આદિ બની ગયો છુ. મારી પત્નિને હળવાશ થઈ છે. કારણ ઉઠતા વેંત ચા ની માંગણી કરનાર, હમણા હમણાથી કોયલના ટહુકાના
વ્યસની બન્યા છે. ટહુકો હદયની પાર પહોંચે છે. દિલમાં એક ટાઢકનો અહેસાસ કરાવે છે.
એવું લાગે છે કે કેટલા વર્ષો પછી કોયલના ટહુકાને ધ્યાનથી સાંભળ્યો ? ખરા અર્થમાં
ગ્રહણ કર્યો ?
કોયલના આ ટહુકાથી મન અત્યંત પ્રસન્ન
થાય છે. આનંદની અદભૂત અનુભૂતિ થાય છે. એમ કરીને કોયલે મારી પર મોટો ઉપકાર કર્યો છે.
છેવટે માણસની આ દોડ છે શા માટે ? પૈસા માટે ? બંગલા માટે ? ગાડી
માટે ? જમીન માટે ? હોદ્દા માટે ? કે કોયલના ટહુકા માટે? માણસ એટલુ તો દોડે છે
કે તે શાના માટે દોડે છે તે જ ભૂલી જાય છે. થાકી જાય છે. સમય જતાં તેનો
માર્ગ ફંટાઇ જાય છે. જ્યારે સાચી વાત સમજાય છે ત્યારે સમય નિકળી ગયો હોય છે.
આનંદાનુભૂતિની પ્રાપ્તિ એ જ સાચો
માર્ગ છે. પ્રસન્ન ચિત્ત એ જ આપણી દોડનો
આખરી મુકામ બની શકે . પ્રસન્ન રહેવું એ ઈશ્વરની નજીક રહ્યા નો અહેસાસ કરાવે છે.
પ્રસન્ન હોવુ એટલે નસીબદાર હોવુ. પ્રસન્ન હોવુ એટલે ‘ માણસ ‘ હોવુ. પ્રસન્ન હોવુ
એટલે સરળ હોવુ. પ્રસન્ન હોવુ એટલે ઈશ્વરની
સમીપ હોવુ.
પ્રસન્ન
ચિત્ત થયા પછી બધી વસ્તુઓ, આ પહેલા અગત્યની હતી, તે તુચ્છ કેમ લાગવા માંડે છે? કોયલના
ટહુકાની તોલે કેટલા રૂપિયા મૂકી શકાય ? ટહુકાથી પ્રાપ્ત થતો આનંદ કેટલા એકર જમીન
આપી શકે ? પંખીઓનો કલરવ સાચેજ ઈશ્વરાનુભૂતિ તરફ દોરી જાય છે.
હવે વહેલી સવારે છાપામાં બહુ રસ પડતો
નથી, ચાની ચૂસકી ફીકી લાગે છે. ફોન પર થતી વાતચીતમાં રસ પડતો નથી. સવારમા કોયલના
મસ્ત મજાના ટહુકા સાંભળવાનું વ્યસન થઈ ગયુ છે. પ્રસન્ન ચિત્તથી વ્યક્તિત્વમાં
નીખાર આવે છે,વ્યક્તિત્વ ઉઘડે છે, ખીલે છે અને ખુલે છે. ધ્યેયને દિશા મળે છે. દિશા
વગરના વહાણની કોઈ મંઝીલ નથી હોતી. દિશા મળે તો દશા દૂર થાય. દશા દૂર
કરવા વ્રત કરવું પડે ? પનોતિ દૂર કરવા તપ કરવું પડે ? પૂજાપાઠથી આપત્તિ દૂર થાય ?
શ્રધ્ધાનો પ્રશ્ન હોય તો મારી શ્રધ્ધા કોયલના ટહુકામાં છે. મારે મન કોયલનો ટહુકો
સાંભળવો એટલે ઉપનિષદની ઋચા સાંભળવા બરાબર છે. કોયલનો ટહુકો ભક્તિથી તરબોળ કરી દે
છે.કોઈ કુદરતી સંકેત તેમાંથી મળે છે. કોયલનો ટહુકો આનંદ આપે, દિવ્યાનુભૂતિ કરાવે છે.
જીવનની ફલશ્રુતિ નિજાનંદમા સમાયેલી છે.
પ્રસન્ન
ચિત્ત હદયથી કોઈ કાર્ય કરવામાં કંટાળો આવતો નથી. એક અલૌકિક તાજગી અનુભવાય છે.
ગામડામાં રહેતા માનવીની સુખની વ્યાખ્યા, શહેરમાં રહેતા માનવીની વ્યાખ્યા કરતા નિરાળી
કેમ છે ? કુદરતનું સાંનિધ્ય હંમેશા આનંદાયી નીવડે છે. શહેરમાં જ્યાં કૂતરાને પણ
ડાબે-જમણે પૂંછડી પટ-પટાવવાનો અધિકાર નથી ત્યાં ગામડુ પોતાની મસ્તીમાં વસતા અને ભસતાં પ્રાણીઓથી ખીલી
ઉઠે છે.
કોયલના ટહુકાનુભૂતિથી લઈને ઈશ્વરનાભૂતિ
સુધીની યાત્રા આનંદાનુભૂતિ નો અહેસાસ કરાવે છે. અહિં ઓશો યાદ આવ્યા વગર રહે ખરો ?
સુખની અનુભૂતિ બહારથી ક્યારેય નહિ થાય. આનંદ મેળવવા બહારના બધાં ફાંફા ભારે પડશે,
નિષ્ફળ જશે. પ્રસન્નતા આપણી અંદર રહેલી છે. સોય જ્યાં ખોવાઈ હોય તે જગ્યાએ શોધવી પડે. અજવાળું ભલે હોય પણ સોય જો
અંધારામાં ખોવાઇ હશે, તો અંધારી જગ્યાને અજવાળ્યા પછી સોય શોધવાની રહે છે. સોય તો
જ્યાં ખોવાઈ છે ત્યાંથી જ જડશે એ નક્કી છે.માત્ર અજવાળાથી આકર્ષાઇને સોયની શોધ
અજવાળામા કરવી નરી મૂર્ખતા છે. આનંદ મનુષ્યના ચિત્તમાં છે. અંદરથી જ
મેળવી શકાય છે. આનંદાનૂભૂતિનો પરીચય
પોતાના હદયમાંથી જ થઈ શકે.
કોયલના
આ પ્રસન્ન ટહુકાવાદ ની સામે જીવનના અન્ય
વાદો બિનઅસરકારક સાબિત થાય છે. ટહુકાની
અસરકારકતા મન-ચિત્ત સુધી પહોંચી છે. કોયલનો ટહુકાવાદ પ્રસન્નતાવાદમાં પરિણમ્યો છે.
બહારનો કોઈ વાદ ચિત્તને પ્રસન્ન કરી શકવાને શક્તિમાન નથી એવી એક શ્રદ્ધા દ્ર્ઢ છે.
મનની પ્રસન્નતા કોયલના ટહુકાવાદનુ સ્વાગત કરવામાં સમાયેલી છે. મનને પ્રસન્ન કરી શકે એવા
ટહુકા સાંભળવાની આપણી તૈયારી હોવી જોઇએ.ચાલો, ઉનાળાની ગરમીમાં મનને વર્ષાની
ઠંડક પહોંચાડીએ.
***
No comments:
Post a Comment
Thanks for read and inspire.