Monday, June 23, 2014

પ્રેમની હદ એટલી તો એણે સ્વીકારી હતી,
બંધ દરવાજા હતા કિંતુ ખુલ્લી બારી હતી.
સંબંધો એવા બનાવો કે જેમા ..
શબ્દો ઓછા ને સમજ વધારે હોય
વિવાદ ઓછા ને સ્નેહ વધારે હોય્
શ્વાસ ઓછો ને વિશ્વાસ વધારે હોય,
પુરાવા ઓછા ને પ્રેમ વધારે હોય.

આ જગતનો હંમેશને માટે કોઈ લાઇવ સબ્જેક્ટ રહ્યો હોય તો તે છે પ્રેમ. પ્રેમમા બધાને રસ પડે,બધાને ગમે, બધા વાંચે,બધા ચર્ચા કરે. દસ માંથી નવ જણા પ્રેમના દાવેદાર હોય છે અને જે એક બાકી રહ્યો એ નાકનું ટેચકુ ચડાવતો હોય છે. આવા માણસો દંભી હોય છે. પ્રેમ પામનારા નસીબદાર, પ્રેમ આપી શકે તે વધુ નસીબદાર હોય છે. પ્રેમ આપવો દરેક માટે ખાવાના ખેલ  નથી.પ્રેમ આપવો ઘણી અઘરી વાત છે જ્યારે પ્રેમ પામવા માટે નસીબ પૂરતું  છે. કેટલાય કમનસીબ બાળકો પ્રેમ પામી શકતા નથી. આવા બાળકો અને લોકોને પ્રેમ આપનારા વીરલા પણ છે. બાળકોને દત્તક લેનારો એક વર્ગ સમાજમાં જીવી રહ્યો છે.
પ્રેમની વ્યાખ્યા દરેક વ્યક્તિએ પોતાની રીતે કરી છે. કંઇક આપવાનું નામ પ્રેમ છે તો પોતાની અંગત વ્યક્તિ ખુશ થાય તેવું કરવામાં આનંદ પામનારા અનેક છે. પ્રેમ કરવો સહેલો છે પણ ટકાવવો અઘરો છે. માત્ર ‘આઇ લવ યુ’ કહેવાથી પ્રેમ નથી થતો એમ માનનારો પણ એક વર્ગ છે.કોલેજીયનનો પ્રેમ એક આકર્ષણ માત્ર હોય છે.આ રીતે પ્રેમ જુદી જુદી રીતે પોંખાયો  છે.
પ્રેમ માટે સમાજ ના વિધાનો સાંભળો: પ્રેમ આંધળો હોય છે, પ્રેમમાં બરબાદ થઇ જવાય છે, પ્રેમ ઉંચ-નીચ જોતો નથી, અથવા પ્રેમ કરનારા આંધળા બની જાય છે.પ્રેમીઓને એ બે જણ સિવાય અન્ય કોઇ દેખાતુ નથી.વગેરે વગેરે..
રમેશ પારેખ ની એક પંXક્તિ ટાંક્યા વગર રહી શકાતું નથી. સાંભળો:
અડધો ગુનો છે મારો કે ચાહું છું હું તને
ચાહે જો તું તો આ ગુનો આખો કરી શકાય.
‘હું પ્રેમમાં છુ.’ એવુ કહેવાની હિંમત પ્રેમીયુગલ  પાસે નથી.સાચુ પૂછો તો તત્કાલિન સમાજે એટલી હિંમત ક્યારેય આપી જ નથી. યુવાનને સમાજે આ બાબતે નિર્ભિક બનાવ્યો નથી.ઉલટાનુ તેના આ નિર્ણયને સમાજે ‘બંડખોર’ નામ આપીને ધુત્કાર્યો છે.સાચા પ્રેમ ને ન પોંખનારો સમાજ રુગ્ણ સમાજ કહેવાય. પ્રશ્ન એ થાય છે કે જેને પ્રેમીઓ સાચો પ્રેમ ગણે છે, મા-બાપની દ્રષ્ટિએ એ પ્રેમ સાચો હોય છે ખરો?
પત્નીનો પ્રેમ , પ્રેમીકાનો પ્રેમ, બહેનનો પ્રેમ,માતાનો પ્રેમ, ભાઇનો પ્રેમ, મિત્રનો પ્રેમ, કોઇ અજાણ્યા જણનો પ્રેમ,પાડોશીનો પ્રેમ. સંબધો સાથેના પ્રેમની એક પોતીકી મહેંક હોય છે.’મુઘલ એ આજમ’ ફિલ્મમા એક સીનમા સુન્દર ડાયલોગ મુકાયો છે. આમ તો આ આખી ફિલ્મ ક્લાસીક છે. ફિલ્મ જોઇ ન હોય તે આ લેખ વાંચવાનો અધિકાર ગુમાવી બેસશે? અફકોર્સ. હા,તો ડાયલોગ એવો છે કે જલાલુદ્દીન મોહંમ્મદ અકબર નાઇકાને કહેછે-આદેશ કરે છે કે ‘ કલ સુબહ હોતે હી સલીમ કી મહોબ્બતકા ઇન્કાર કર દેના.’ ત્યારે નાયિકાના મુખે ઉપનિષદ ની રુચાની તોલે આવે એવો સંવાદ લેખકે મૂક્યો છે, સાંભળો: ‘જહાંપનાંહ, આજ તક જો જુબા મહોબ્બતકા ઇકરાર ન કર સકી, વો  ઇન્કાર ક્યા કરેગી.’
પ્યાર, મહોબ્બત,ઇશ્ક,લવ જેવા શબ્દો વારંવાર બીન જરુરી ઉપયોગ કરવાથી માત્ર શબ્દો જ રહી જાય છે  ને, લીસા થઇ  અર્થ ગુમાવી બેસે છે.કેટલીક અજાણ્યા જણની પંક્તિઓ સાંભળો:
ખાલી ખાલી હસવાનુ ને સાચા આ બે આંસુ
આમ ફરું તો દિશા નડેને આમ ફરું તો પાસું
દિવાલ ક્યાં છે,બારી ક્યાં છે,ક્યાં છે ઉપર નીચે ?
અંદર જેવું છે જ નહિ ત્યાં દરવાજો  શું વાસું?
આમ  કરો કે તેમ કરો કે ખેડો સાત સમંદર
મજા વગરનું કંઈ પણ કરવું ખતરનાક છે ખાસું

ફિલ્મી પ્રેમ શબ્દોથી વ્યક્ત થતો હોય છે.પ્યારકી કોઇ જુબા નહિ હોતી,કોઇ મજહબ નહિ હોતા.જ્યારે પ્રેમ શબ્દોથી વ્યક્ત થતો નથી. અશાબ્દિક પ્રેમની વાત જ નિરાળી છે.પ્રેમ આંખોની ભાષા સમજે છે. કંઇજ કહ્યા વગર કોમ્યુનિકેશન થઇ જાય છે. બોલ્યા વગર લાગણીઓ વહેતી થાય છે. શબ્દોની મદદ વગર લાગણીઓ વહે અને જીલાય ત્યારે પ્રેમનો મહાસાગર હિલ્લોળા લેતો હોય છે, આચાર, વિચાર, અને વ્યવહારનું ઐક્ય પ્રેમની પરાકાષ્ઠાએ પહોંચે છે.
તમને જેની સાથે આનંદ આવે, જેના સહવાસથી સુખની અનુભૂતિ થાય,જેની સાથે  કામ કરવામાં મજા આવે, જેની સાથે વાત કરવામાં આનંદ આવે, જેની વાટ જોવામા આનંદ આવે, જેની સાથે લડવા-જગડવામા મજા આવે, જેના આવવા માત્રથી આપણો ગયેલો મૂડ પછો આવી જાય, જેના ફોનનો આપણને હમેશા ઇંતજાર રહે, જેની સાથે અધિકાર પૂર્વક લડી શકાય,વરતી શકાય, જેની પર ગુસ્સે થવું તમારો અબાધિત અધિકાર બનતો હોય,જેની સાથે હરવા-ફરવામાં આનંદ આવે, તમને મળેલી આ દિવ્ય, તમામ ક્ષણો, તમારા જીવનની ઉત્તમોત્તમ ક્ષણો છે.તેને સાચવી ન રાખતા પણ ફીક્સ ડિપોજિટ કરી દેજો. ફરી આ ક્ષણો મળે ન મળે!!..

 ‘પાની મે પથ્થર મત ફેંકો  ઉસે કોઇ ઔર ભી પીતા હૈ,
જીઓ તો હંસકે જીઓ તુમ્હે દેખકે કોઇ ઔર ભી જીતા હૈ.’

જીવનની આવી ક્ષણો અત્યન્ત  ઓછી ભાગમા આવતી હોય છે. જેટલી પણ ક્ષણો મળી છે, જીવી જાણીએ. પ્રેમનો વિષય ક્યારેય પૂરો થઇ શકે જ નહિ, સ્થળ સંકોચ એને ક્રમશ: રાખે છે.  (શીર્ષકપંક્તિ:બરકતવીરાણી)


મિસરી
“  પ્યારસે તો સારે જહાં પે અસર હોગી
   નહિ હોગી તો હમારી કહી કસર હોગી

              (sms- કવયિત્રી સુનિતા વ્યાસ-સિદ્ધપુર)

No comments:

Post a Comment

Thanks for read and inspire.